આણંદ જિલ્લા વિષે
તા. ૧૫/૮/૧૯૪૭ ના રોજ ભારત દેશમાથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો અને સ્વરાજ સ્થાપ્યું . નવી સરકારે દેશી રાજ્યોને એક કરીને નવા મુંબઈ રાજ્યમા ભેળવી દેવામાં આવ્યા અને તા. ૧/૮/૧૯૪૭ થી ખેડા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછીથી કેટલાક તાલુકાઓના ગામોમાં ફેરફાર થતાં તા.૧૫/૧૦/૧૯૫૦ થી જિલ્લાનાં તાલુકાઓનાં ગામો મિયત કરાયા. ખેડા જિલ્લાનાં તાલુકાઓના ગામો નિયત કરાયા. ખેડા જિલ્લામાં ખંભાત , પેટલાદ , નડિયાદ , માતર , મહેમદાવાદ , કપડવંજ , ઠાસરા , બોરસદ અને બાલાસિનોર તાલુકાઓના સમાવેશ થયેલા.
રાજ્ય સરકારે તા. ૦૨/૧૦/૧૯૯૭ થી રાજ્યમાં ૬ નવા જિલ્લા બનાવતા ખેડા જિલ્લાના વિભાજનથી આણંદ એક અલગ જિલ્લા તરીકે સ્થાન પામેલ છે. આણંદ જિલ્લામાં આણંદ ,ઉમરેઠ, પેટલાદ , સોજીત્રા, ખંભાત, આંકલાવ અને તારાપુર મળી કુલ ૮ તાલુકા , ૧૧ નગરપાલિકા તથા ૩૫૪ ગ્રામ પંચાયતો આવેલ છે. જિલ્લાની સરહદે અમદાવાદ , વડોદરા અને ખેડા જિલ્લાને અડીને આવેલ છે. જિલ્લાના બંને છેડે સાબરમતી તથા મહી નદીના પ્રવાહ વહે છે.
જિલ્લામાં મુખ્યત્વે ગોરાડુ, કાળી અને ભાઠાની જમીનો આવેલી છે. પાકોમાં મુખ્યત્વે તમાકુ, ડાંગર, ઘઉં, બાજરી, કેળા, શાકભાજી વિગેરે થાય છે.જિલ્લાની આબોહવા ગરમ છે.જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર (ક્ષેત્રફળ) ૨૯૪૧ ચોરસ કિલોમીટર છે. તથા જિલ્લાની કુલ વસ્તી ૨૦,૯૨,૨૪૧ જેટલી છે .