27/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
આણંદની બેંકમાં રોકડા ભરવા ગયેલા માલિકની નજર ચૂકવી ચોરી, ચોરનાર ટોળકી ઝડપાઇ
આણંદની પંજાબ નેશનલ બેંકમાં દસેક દિવસ અગાઉ રૂપિયા 4.72 લાખ રોકડા ભરવા ગયેલા પેટ્રોલ પંપના માલિકની નજર ચૂકવી થેલો તફડાવી જવાના બનાવમાં દસ જણાંને સુરતથી આણંદ શહેર પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી આણંદ લાવવામાં આવ્યા છે. પોલીસે હાલમાં તેમની આ ગુનામાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આણંદ શહેરની બંસી પાર્ક સોસાયટીમાં રહેતા હિરેન જયંતિભાઈ પટેલનો ખાનકુવાથી કણભઇપુરા તરફ જતા રસ્તા પર હરિઓમ પેટ્રોલ પંપ આવેલો છે. તેઓ 10મી એપ્રિલના રોજ પેટ્રોલ પંપના હિસાબના રૂપિયા 4.72 લાખ થેલામાં મૂકી પંજાબ નેશનલ બેન્કમાં જમા કરવા માટે ગયાં હતાં.
એ સમયે પાંચ રૂપિયાની નોટ પડી હોવાનું બહાનું કાઢીને એક શખસ તેમનો રોકડ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં પાંચથી વધુ વ્યક્તિ હોવાનું ખૂલ્યું હતું. દરમિયાન, સુરત પોલીસ દ્વારા ચોરી કરતી તામિલનાડુની ગેંગને પકડવામાં આવી હતી. જેમણે આણંદ ચોરીના ગુનાની કબુલાત કરી હતી. જેને પગલે ટ્રાન્સફર વોરંટથી તેમને આણંદ લાવવામાં આવ્યા હતા.
પકડાયેલા શખસમાં સજીવન જયરામન પકીરી સેરવે, નમશીયાવન સન્નાસીમરૂધા સેરવે, થામરાઈસેલવન કમધન સેરવે, ધનગોપાલ ક્રિશ્યન મુનુસમી સેરવે, સરન મુકુન્ધન ચામુંડી સેરવે, મની બાલકૃષ્ણન દુરઈસ્વામી મુદલીયાર, વાસુદેવન બાલક્રિષ્ણન દુરઈસ્વામી મુદલીયાર, મથન ઉર્ફે મદન નમથીવ્યાન સન્નાનીસ સેરવે, સ્વપ્યન સામંદી ગ્વાંદવેર સેરવે અને ડેવીડ જોસેફ રાજપીલ્લાઈ હોવાનું જણાવ્યું હતું. હાલમાં આણંદ શહેર પોલીસે તમામની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.