18/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
આણંદ કોમર્સ કોલેજમાં મારામારી બાદ આઇ કાર્ડ ચેક કરીને જ પ્રવેશ
આણંદ શહેરમાં શનિવારે બપોરે ગ્રીડચોકડી પાસે આવેલી કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે ઝઘડો અને મારામારીનીઘટના બન્યા બાદ મોડે મોડે શ્રી રામકૃષ્ણ પરમહંસ સંચાલિત આણંદ કોમર્સ કોલેજ સહિત અન્ય સંસ્થાના સત્તાધીશો જાગ્યા હતા અને ગેટ પર જ કડક સિક્યુરીટી ગાર્ડ બેસાડીને તમામ વિદ્યાર્થીઓના આઈકાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું. રસપ્રદ બાબત તો એ છે કે, કોમર્સ કોલેજના આચાર્ય પણ ગેટ પર વિદ્યાર્થીઓના ચેકીંગ કામગીરી દરમિયાન બેસી ગયા હતા અને કડક હાથે કામગીરી લીધી હતી.
આચાર્ય વી. એમ. વનારે જણાવ્યું હતું કે, બે દિવસ હું ગાંધીનગર ટ્રેનિંગમાં હતો એટલે સમગ્ર ઘટના બાબતે કોઈ માહિતી મેળવી શક્યો નહોતો. પરંતુ સોમવારે ઘટનામાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓની તપાસ કરાઈ હતી. જોકે, તેઓ અમારી કોલેજના હતા નહીં. જોકે, આમ છતાં હવે ઘટનાના કોઈ પ્રત્યાઘાત ન પડે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન બને તે હેતુસર હવે કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે બપોરે કેટલાંક અસામાજિક તત્વાઓએ કોલેજમાં પ્રવેશતી વેળાએ લઘુમતિ કોમના વિદ્યાર્થી સામે ધાર્મિક નારા લગાવી વાતાવરણ ડહોળવા પ્રયાસ કર્યો હતો. જેમાં સંડોવાયેલા ચાર શખસોની પોલીસે ધરપકડ કરી હતી.