17/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
તારાપુર ખેતીવાડી બજાર સમિતિમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી
આજે તારાપુર ખેતીવાડી બજાર સમિતિમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાશે. જેને લઇને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. આ વખતે ભાજપ સમર્પિત પેનલમાંથી તાજેતરમાં અમૂલની ચૂંટણી ટાણે ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારના ભાઇ ચંદુભાઇ માધાભાઇ પરમાર અને કોંગ્રેસી સમર્પિત પેનલમાં પુનમભાઇ પરમારનો પુત્ર વિજયસિંહ પરમાર એટલે કાકા ભત્રીજા વચ્ચે ખેડૂત વિભાગમાં જંગ જામશે.
તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થાપક કમિટીની આગામી 17મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને લઈને તાલુકાનું સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. આ વખતે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 27 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. જેમાં ભાજપની પેનલમાંથી 10 ઉમેદવારો અને ખેડૂત વિકાસ પેનલના 10 ઉમેદવારોને બાદ કરતા 7 ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ સમર્થિત પેનલમાં આ વખતે ચુસ્ત કોંગ્રેસી આગેવાનોનો સમાવેશ કરીને મેન્ડેટ અપાયો હોવાના કારણે પણ તારાપુર બજાર સમિતિની આ વખતની ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેશે.
તારાપુર બજાર સમિતિની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં10 ખેડૂત વિભાગના પ્રતિનિધિઓ, 4 વેપાર વિભાગના પ્રતિનિધિઓ અને 2 ખરીદ વેચાણ મંડળીના પ્રતિનિધિઓ મળી કુલ 16પ્રતિનિધિઓ ચૂંટી કાઢવા માટે આગામી 17મી એપ્રિલે મતદાન થનાર છે. આ માટે સહકારી આગેવાનો એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કાર્યમાં ઝંપલાવ્યું છે.
ભાજપ સમર્પિત પેનલમાંથી ઉમેદવારી નોંધાવનાર દુગારીના ભગવતસિંહ દોલતસિંહ પરમારને બાદ કરતા ખેડૂત વિભાગમાં ભાજપ સમર્થિત અન્ય નવ ઉમેદવારોના મૂળ કોંગ્રેસી હોઈ આ વખતની બજાર સમિતિની ચૂંટણીમાં પક્ષ કરતા વ્યક્તિને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાશે. તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ બાબુભાઈ રબારી (ઈસરવાડા)એ ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખે ભાજપ સમર્પિત પેનલના સઈજીભાઈ ભીખાભાઈ રબારીના સમર્થનમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી સઈજીભાઈને ટેકો જાહેર કર્યો છે.
આમ આ વખતનો ચૂંટણી જંગ ભારે રોચક બની રહેશે. સોમવારે મતદાન બાદ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.