26/04/2023
Maru Anand Online
Latest News
Maru Anand
તારાપુર તાલુકાના ગલીયાણા ગામે ખાણ - ખનીજ વિભાગની ટીમ પર હુમલો
તારાપુર તાલુકાના ગલીયાણા ગામે પેટ્રોલીંગ દરમિયાન ખાણ-ખનિજ વિભાગે કપચી ભરેલું ડમ્પર રોકી સીઝ કર્યું હતું. જોકે, થોડે દુર જ લઇ જતા સમયે બે બાઇક અને એક કારમાં આવેલા શખ્સોએ ખાણ - ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરી ડમ્પરની ચાવી લઇ ગયા હતા. જેના કારણે સરકારને 2.79 લાખની રોયલ્ટીનું નુકસાન થયું હતું.
આણંદના ખાણ - ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇજર બાબુભાઈ આયર સહિતની ટીમ 24મી એપ્રિલના રોજ તારાપુરની ફતેપુરા ચોકડી પર વાહન ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન એક ડમ્પરને રોક્યું હતું. આ ડમ્પર પર પુજા માર્કેટીંગ લખેલું જોવા મળ્યું હતું. જોકે, તેની આગળ પાછળ રજીસ્ટ્રેશન નંબર નહતો. આથી, ડમ્પરના ચાલકની પુછપરછ કરતા તે લાલા અરજન હોવાનું તેના માલિકનું નામ ગોકળ અને ગભરૂ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે વીડિયો ગ્રાફી કર્યા બાદ વધુ પુછપરછ કરતાં ચાલક કેરાડીયા લાલા અરજન (રહે. ગઢથિરવાણીયા, સુરેન્દ્રનગર) હોવાનું જણાવ્યું હતું. ડમ્પરમાં બ્લેકટ્રેપ (કપચી) ભરેલી હતી. જેનો કોઇ આધાર પુરાવા તેની પાસે ન હતો. રોયલ્ટી પાસ પણ નહતો. જેથી ડમ્પર સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ત્રીસ ટન જેટલી કપચી ભરી હોવાનું જણાયું હતું. આથી, ખાણ - ખનીજની ટીમે ડમ્પરની કબજો લઇ તેને પોલીસ સ્ટેશન લઇ જવા માટે રવાના થયા હતા.
મહત્વનુ છે કે આ દરમ્યાન તારાપુર - વટામણ ધોરી માર્ગ પર ગજાનન હોટલની નજીક બે બાઇક સવાર અચાનક ધસી આવ્યાં હતા અને ડમ્પરને રોકી તેની ચાવી લઇને ભાગી ગયા હતા. બાદમાં કાર લઇને આવી લાકડીથી ખાણ - ખનીજ ટીમ પર હુમલો કર્યો હતો અને ડમ્પરની ચાવી લઇને ભાગી ગયાં હતાં. જેના કારણે દંડના રૂ.1.75 લાખ સહિત કુલ રૂ.2,79,851નું સરકારને નુકશાન થયું હતું. આ અંગે તારાપુર પોલીસે લાલા અરજન કેરાડીયા (રહે. ગઢથિરવાણીયા, સુરેન્દ્રનગર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.